Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘સાહિત્ય’ Category

આ વિષય એક મિત્ર સાથે ચર્ચા કરતા મળ્યો. તેથી વિચાર્યુ કે આને લેખ નુ સ્વરુપ આપુ.

  1. ઈસરોએ મુન મિશન ની જાહેરાત કરી ત્યારે કોઈક બોલ્યુ “અરે આપણો દેશ ગરીબ છે. આપણને આવા ખર્ચા ના પોસાય. એના કરતા ગરીબો ને કંઈક આપો ને…”
  2. મોટુ ભવ્ય મંદિર થતુ જોઇને ફરી કોઇક બોલ્યુ “મંદિરની શુ જરુર છે. એના કરતા ગરીબોને કંઇક આપોને….”
  3. સરદાર સરોવર ડેમ પર વલ્લભભાઈ પટેલ ની વિશ્વની સૌથી મોટી મૂર્તિ મુકાવાના સમાચાર મલ્યા ને ફરી કોઇક બોલ્યુ. “આવા ખોટા ખર્ચ કરવાની શુ જરુરત છે. એના કરતા ગરીબોને કંઇક આપોને….”

ગરીબાઈ દુર ના થાય ત્યાં સુધી કોઇ ક્ષેત્ર માં પ્રગતી જ નહી કરવાની?

રમત – ગમતમાં નહી , વિજ્ઞાન – ટેકનોલોજીમાં નહી, ધાર્મીક ક્ષેત્રમાં નહી, કોઇ પ્રગતી ના કરો બસ ગરીબાઇ નો શોક પાળ્યા કરવાનો?

ભીખ માંગનારા સો ભીખરી માંથી કેટલા ભીખરી શારીરિક કે માનસિક રીતે ખોડ વાળા હશે?

ભીખારી ને ભીખ ના બદલે થોડુ કામ સોંપો પછી જુઓ એનો રૂઆબ.

એક જોક વાંચી હતી:

એક વ્યક્તિએ ભીખરી ને પુછ્યુ “જો ભગવાન તને ગાડી આપે તો તુ શુ કરે?”

ભીખારી બોલ્યો ”તો ગાડીમાં ભીખ માંગવા નીકળુ”

એક પ્રશ્ન “જો કોઇ ભીખારીને 10,000 કે 1 લાખ રૂપિયા આપવામાં આવે તો તેની ગરીબાઇ કેટલા સમય માટે દુર થઇ જાય?”

અરે ભાઇ ગરીબો પ્રત્યે મને પણ હમદર્દી છે. મને પણ દુખ થાય છે જ્યારે કોઇને બે ટાઇમ પેટ ભરીને ખાવા નથી મળતુ. કુપોષણ ને કારણે જ્યારે કોઇ બાળક નુ મ્રૃત્યુ થાય છે ત્યારે હ્રદય વલોવાઇ જાય છે.

પણ એનો મતલબ એ જ કે બસ બીજુ કાંઇ ના વિચારો…..

કોઇ ક્ષેત્રમાં વિકાસ ના કરો….

કંઇ નવુ ના વિચારો….

બસ ગરીબો ને પંપાળ્યા કરો…..

એમ પ્રગતિ ના થાય.

ગરીબી દુર થવીજ જોઇયે. હુ પણ એ જ ઇચ્છુ છુ પરંતુ ગરીબી છે કેમ તે જાણવુ છે?

કાંણા માટલા માં  કેટલુ પાણી રેડો તો માટલુ ભરાય?

અરે ભાઇ, પહેલા તો કાંણુ પુરવુ પડે તો જ પાણી ભરાય.

એ કાંણા કયા? કામચોરી, મફતનુ ખાવાની આદત, તમાકુ, બિડી, દારુ, જુગાર, ભુવા, માદળીયા……….

ગરીબાઈ કેવી રીતે દુર કરવી?

થોડા મારા મૌલિક વિચારો રજુ કરુ છુ.

એક પરિવાર માં ત્રણ માણસો મજુરી કરતા હોય અને પાંચ જણા જમવા વાળા હોય તો રોજ ની 300 રૂપિયા લેખે 900 રૂપિયા કમાણી થાય અને વધુ માં વધુ 500  ખર્ચો બાદ કરતા પણ 400 ની બચત થાય.

શુ ઓછી બચત કહેવાય?

શાકભાજી ની લારી વાળા નો એક દિવસ નો ઓછામાં ઓછો નફો 500 રૂપિયા છે. માન્યા માં આવે છે?

ગરીબ માણસ ગરીબ છે તે માટે એ ગરીબ પોતે જવાબદાર ખરો?

થાક ઉતારવાનો શુ એક માત્ર ઉપાય દારૂ છે.?

શુ તમાકુ ખાધા વિના  કામ કરવાનો મૂડજ ના આવે?

શુ બિડી પીધા વિના પેટ સાફ જ ના આવે?

ભારત દેશમાં 30 કરોડ લોકો ગરીબ છે. પણ કેટલાની માનસિકતા ગરીબ છે.?

મારી દ્રશ્ટી એ ઉપાય બે છે.

  1. ગરીબોને કામ આપો
  2. વ્યસન અને વહેમ દુર કરો.

આટલા ખુલાશા બાદ પણ જો કોઇ પણ વિકાસ લક્ષી પ્રોજેક્ટ જોઇને તમને ગરીબો નો જ વિચાર આવે તો તે કાર્ય ની ટીકા કરતા પહેલા સહુથી પહેલા પોતાની જાત ને એ પ્રશ્ન પુછજો કે “મેં પોતે અત્યાર સુધીમાં કેટલા ગરીબો, ને કેટલુ દાન કર્યુ?” પછી જ કોઇ ટીકા ટીપ્પણી કરજો….

Advertisements

Read Full Post »

થોડા દિવસો પહેલા જ હું મારા પરિવાર સાથે કાઠીયાવાડ ના એક મંદિરે દર્શન કરવા ગયો હતો.

દર્શન કરીને અમારે જલ્દી નીકળી જવાનું હતું. ગાડી ચાલુ કરી નીકળતા હતા અને વોટર કુલર જોઇને  મારા પત્ની એ કહ્યું “આ બોટલ તો ભરીલો, રસ્તા માં તરસ લાગે તો ?” હું ખાલી બોટલ લઇ વોટર કુલર તરફ ગયો. બોટલ ભરી નીકળતો હતો ત્યાંજ એક અતિ વૃદ્ધ ઘરડા માજી કચરો વળતા હતા. તેમને મને કહ્યું “બીજો શીશો જોવે છે ?” મેં આદર સાથે ના પાડી “ના માજી આટલું પાણી તો બહુ થઇ ગયું”  તેમને આગ્રહ ચાલુ રાખ્યો “શીશો જોઈતો હોય તો આપું, મારી જોડે પડ્યો છે ” કચરો વળતા એ ઘરડા માજી નું વાત્સલ્ય મને સ્પર્શી ગયું. આટલી ઉમરે પણ તેઓ મંદિર ની સેવા કરી રહ્યા હતા. તેમના વસ્ત્રો તેમની ગરીબાઈ ની ચાડી ખાતા હતા. મને દયા આવી. થોડા રૂપિયા પાકીટ માં થી કાઢી મેં તેમને ધર્યા તો માજી બોલ્યા “ના ભૈ, હું કોઈના રૂપિયા લેતી નથી, તમે આ રૂપિયા ઠાકોરજી ને ધરાવી દો” મેં ખુબ આગ્રહ કર્યો ત્યારે માંડ માંડ તેમને રૂપિયા લીધા અને બોલ્યા “સારું, હું જ ઠાકોરજી ને ધરાવી દઈશ”
કેટલી કર્મઠતા !!!! કેટલી ખુમારી !!! કેટલું વાત્સલ્ય !!!!
આવા સ્વયં સેવકો ના દર્શન રોજ થાય છે તેથી જ કદાચ ઠાકોરજી ના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે,  નઈ!!!
[લેખ માં બતાવેલો ફોટો તે  માજી નો નથી. આ ફોટો તો મેં ઈન્ટરનેટ પર થી લીધો છે પણ જો થોડા જાડા ચશ્માં પહેરાવીએ તો આ માજી પણ લગભગ લેખ ના નાયિકા માજી જેવાજ લાગે]

Read Full Post »

માણસ ને  જીવન માં બે પ્રકાર ના અનુભવો થતા હોય છે સારા અનુભવો અને ખરાબ અનુભવો
સારા અનુભવો ને ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય
૧. મજા
૨. સુખ
૩. આનંદ
મજા એટલે ?

મજા એ ક્રિયા કરતી વખતે અનુભવાય  છે

નાના બાળક ના મોં માં મધ નું ટીપું નાખો અને તેને જે અનુભવ થાય છે તે મજા છે ફરી થી બાળક ના મોં આગળ ચમચી લઇ જાઓ તો ફરી થી તે ખાવા માટે મોં ખોલે છે કારણ કે તેને મજા આવે છે
યુવાન કોલેજીયન ને હાઇવે પર સ્પીડ થી બાઈક ચલાવતી વખતે જે અનુભવ થઇ છે તે મજા છે
સ્વાદિષ્ટ રસોઈ ખાતી વખતે જે અનુભવ થાય છે તેને મજા ગણી શકાય.
મજા નું આયુષ્ય અલ્પ હોય છે અને તે ભોગવ્યા પછી કદાચ દુખ માં પણ પરિણમે જેમ કે ઝડપથી બાઈક ચલાવતા પડી પણ જવાય કે સ્વાદિષ્ટ રસોઈ  ખાધા પછી એસીડીટી પણ થાય
મજા કરતા કૈક ઉપર ની અનુભૂતિ છે સુખ

સુખ એટલે ?

સુખ ક્રિયા કર્યા પછી અનુભવાય છે
જે પ્રાપ્ત કરવા તમારે કેટલીક મજા નો ભોગ આપવો પડે તે સુખ છે
જેમ કે વિદ્યાર્થી ને પરીક્ષામાં સારા ગુણે પાસ થવું હોય તો ટીવી, રમત વગેરે થોડા સમય માટે મુકાવું પડે એટલે કે મજા આવતી હોય તેવી કેટલીક પ્રવૃત્તિ ની  કુરબાની આપવી પડે પણ અંતે જે પ્રાપ્ત થાય છે તે સુખ છે
ઓલિએમ્પિક માં ગોલ્ડ મેડલ મેળવતી વખતે ખેલાડી ને જે અનુભૂતિ થાય છે તે સુખ છે પરંતુ તે સુખ તેને મફત નથી મળ્યું તેના માટે ખેલાડીએ કઠીન પુરુષાર્થ કરવો પડે છે .

અમેરિકા  ની હાર્વર્ડ યુનીવર્સીટી માં એક પ્રયોગ કરવામાં આવ્યો
ચાર વર્ષ ના કેટલાક બાળકોને ભેગા કરવામાં આવ્યા અને તેમને એક ચોકલેટ આપવામાં આવી  શરત એ મુકવામાં આવી કે જો બાળકો એ ચોકલેટ ને પંદર મિનીટ પછી ખાય તો બીજી ચોકલેટ આપવામાં આવશે અને જો પંદર મિનીટ પહેલા જ બાળકો ચોકલેટ ખાઈ જશે તો બીજી ચોકલેટ મળશે નહિ.  કેટલાક બાળકો પંદર મિનીટ સુધી ધીરજ રાખી શક્ય નહિ અને તેમને બીજી ચોકલેટ મળી નહિ પરંતુ થોડા બાળકોએ ધીરજ રાખી તો તેમને બીજી ચોકલેટ મળી
પ્રોફેસરોએ બાળકો નો રેકોર્ડ રાખ્યો. જે બાળકોએ ધીરજ રાખી હતી તે બાળકો સારી રીતે પાસ થઇ ગયા અને સારી પોસ્ટ પર નોકરી કરતા હતા અને જે બાળકો ધીરજ રાખી શક્યા નથી તે ભણવાનું પૂરું પણ કરી શક્યા નહિ અને સામાન્ય નોકરી ધંધો કરી માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા .

આમ કેટલાક સુખ નો ત્યાગ કરીને આગળ મોટું સુખ પ્રાપ્ત કરવામાં જ બુદ્ધિમતા છે
“સુખ” નું આયુષ્ય “મજા” કરતા લાંબુ છે પણ અમર નથી
જયારે કોઈ અપમાન કરે ત્યારે “સુખ” ગાયબ થઇ જાય છે
વધુ ગુણ પ્રાપ્ત કરવા છતાં જયારે બાળક ને માતા પિતા કે શિક્ષક પ્રોત્સાહિત ના કરે તો સુખ મૃત્યુ પામે છે
સુખ થી પર એક બીજી અનુભૂતિ છે : આનંદ
આનંદ એટલે ?

જે વ્યક્તિ ને આનંદ પ્રાપ્ત થાય છે તે માન-અપમાન ની લાગણીઓ થી  પર થઇ જાય છે અને સુખ દુખ ની અનુભૂતિ થી પણ પર થઇ જાય છે
આનંદ પ્રાપ્ત થયા પછી માણસ સ્વાવલંબી થઇ જાય છે જો સુખ કોઈ વ્યક્તિ કે પદાર્થ પર આધાર રાખતું હોય તો તે પરાવલંબી છે
“આનંદ” કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધાર નથી રાખતું.
આનંદ નો આધાર આત્મા અને પરમાત્મા પર છે કોઈ વ્યક્તિ કે વસ્તુ પર નહિ
આનંદ પ્રાપ્ત કર્યો હોય તેવી વ્યક્તિમાં તુકારામ નું દ્રષ્ટાંત પ્રચલિત છે
તુકારામ ને ગામ વાળાઓ એ ગધેડે બેસાડ્યા, મુંડન કર્યું, ગળે શાકભાજી નો હાર પહેરાવ્યો. તુકારામ ના પત્ની ખુબ દુખી થઇ ગયા પણ તુકારામ ને કોઈ ફરક પડ્યો નહિ ઉલટું તેમણે તો આખા પ્રસંગ ને હકારાત્મક દ્રષ્ટી એ લીધો
તુકારામ બોલ્યા ” આપણા લગ્ન થયા ત્યારે મારાથી ફૂલેકું નીકળી શકાયું ન હતું સારું થયું ફૂલેકું નીકળ્યું, માથે મુંડન થયું તો આપણા પૈસા બચ્યા. માથે ચૂનો ચોપડ્યો તો ખોડો મટી ગઈ અને શાકભાજી નો હાર પહેરાવ્યો તો જો આપણે ત્રણ દિવસ સુધી હવે શાંતિ ”
આવા વ્યક્તિ ને કોણ દુખી કરી શકે ?

Read Full Post »

આજે શનિવારે  છટ્ઠા સેમ ના ક્લાસ માં લેકચર લેવા ગયો
મારે સળંગ બે લેકચર (પાંચમો અને છઠ્ઠો) લેવાના હતા
આખા અઠવાડીયાના કંટાળેલા છોકરાઓ એક કલાક ભણાવ્યા પછી કંટાળી ગયા
અને મને કહ્યું “સર, કોઈ ગેમ રમાડો.”
અને જે ગેમ મેં રમાડી તે રજુ કરું છું
મેં છોકરાઓને કહ્યું  “તમે એક કાગળ લો અને એક વાક્ય લખો
“હું ખુબજ નશીબદાર છું કેમ કે ….”
અને પછી આંખો બંધ કરી ને વિચારો કે તમારી જોડે શું શું છે ? જેથી તમે પોતાની જાત ને નશીબદાર ગણો છો ?”
છોકરાઓ એ વિચારી ને લખ્યું અને પછી ઉભા થઇ ને બોલ્યા તેમાંથી થોડું…..
હું ખુબજ નશીબદાર છું કેમ કે ….
૧. મારું સ્વાસ્થ્ય ખુબ સારું છે
૨. અમારા ઘર ની આર્થિક પરિસ્થિતિ સારી છે
૩. મારા માતા પિતા સારા છે
૪. મારે એક ભાઈ અને એક બહેન છે
૫. હું એન્જીનીઅરીંગ કોલેજ માં ભણું છું
૬. મારી પાસે બાઈક છે
૭. મારી પાસે મોબાઈલ છે
૭. મારી પાસે કોમ્પ્યુટર છે
૮. મારી પાસે ૭ જોડી કપડા છે
૯. હું જોઈ શકું છું વાંચી શકું છું ચાલી શકું છું બોલી શકું છું
૧૦. મારે ઘણા બધા મિત્રો છે

વગેરે વગેરે

લીસ્ટ તો ઘણું લાંબુ છે  પણ અહી અટકું છું

શું આત્મહત્યા કરવા વાળા વ્યક્તિ પાસે આમાંની બે ત્રણ વસ્તુ પણ નહિ હોય ?
જો હોય તો જીવવા માટે આટલા બધા કારણો છે તો પછી મરવું કેમ ?

Read Full Post »

I believe in GOD

બે મિત્રો બાઝી પડ્યા

એક કહે “હું ભગવાન ના અસ્તિત્વ માં માનું છું”

બીજો કહે “હું નથી માનતો ”

જે માનતો હતો તેણે તર્ક કર્યો “માનીલે કે ભગવાન નથી,

તો મને શું નુકશાન જશે ?

મે તો ભગવાન નું અસ્તિત્વ સ્વીકારી મારું જીવન સુંદર બનાવ્યું છે,

જો ભગવાન ના નીકળ્યા તો મને કોઈ નુકશાન નથી,

પણ

તું નથી માનતો અને એવીજ રીતે તે તારું જીવન બનાવ્યું છે

અને જો

ભગવાન નીકળ્યા તો હું તો બચી જઈશ

પણ તારું શું થશે ?”

Read Full Post »

ભ્રષ્ટાચાર

સાથે ઉપ-ડાઉન કરતી વખતે ઘણી વાર ચર્ચાનો દોર ચાલુ થઇ જાય છે.
આવીજ એક ચર્ચા થઇ મારી અને મારી સાથે કામ કરતા કેટલાક મિત્રો સાથે.
પ્રશ્ન હતો : ભ્રષ્ટાચાર
મારા મિત્રો અને બીજા ઘણા બધા એવું મને છે કે “રાજકારણીઓ ભ્રષ્ટાચારી છે તેઓ જો ભ્રષ્ટાચાર બંધ કરે તો દેશ ઉગારી જાય.”
મારું માનવું અલગ છે આપણે બધા રાજકારણીઓ ને ગાળો દેવામાં બહુ શુરવીર છીએ, પરંતુ એ રાજકારણીઓ ને આપણે જ ચૂંટી લાવીએ છીએ,
રાજકારણીઓ આપણો જ એક ભાગ છે.
૧૦ માંથી ૯ દરજી કાપડ ની ચોરી કરે છે.
૧૦ માંથી ૯ સોની સોના ચાંદી ની ચોરી કરે છે.
૧૦ માંથી ૯ શિક્ષકો ટ્યુશન કરાવે છે.
વગેરે વગેરે …..
જો મોટા ભાગ ના માણસો કોઈ ને કોઈ રીતે ભ્રષ્ટાચાર માં જોડાયેલા હોય તો બિચારો (?) રાજકારણી કેમ નહિ !!!!!??????
કુતરાનું પેટ નાનું હોય તેથી તે થોડું ખાય, હાથી નું પેટ મોટું હોય તેથી તે વધારે ખાય, ખાય તો બધાજ છે.
દેશ માંથી કોઈ પણ વ્યક્તિ ને ગાદી પર બેસાડી દો તેપણ ખાતો થઇ જશે.
તો રાજકારણીઓને ગાળો દેવાથી શું ફાયદો?

અને આપણી ગાળો દેવાથી થઇ પણ શું જવાનું છે.?
એક આમ આદમી (કોમન મેન) શું કરી શકે ?
સહુથી પહેલા તો આપણે સુધારીએ.

ખોટા કામ ના કરીએ.

આપણા બાળકોને સારા સંસ્કાર આપીએ.

તેમનામાં સિદ્ધાંતો નું સિંચન કરીએ.
આપણી આજુ બાજુ જે પણ સંપર્ક માં આવે તેમને ખોટા કામ કરતા અટકાવીએ.
તમે શું કહો છો ?

Read Full Post »

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત.

જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી

આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર

મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત.

શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર

સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું

નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર

ગુજરાત.

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની

ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું,

અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા

રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના

કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને

કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી

બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી

કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને

દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના

સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું

પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું

છું હું, ગુજરાત!

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું

રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા

છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી

ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી

પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં

જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી

દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં

ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની

અમીરાત છે.

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો

કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને

નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર

સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ

સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી,

અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ

રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો

વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ

નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા

ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની

અહાલેક વાગે છે.

ભારતની છાતી પર પેદા થનારાઓને મારા

ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે.

કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા

કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે

છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા,

કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર

અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને

નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું

હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર

સુદર્શનચક્ર છું, અને દ્વારકાધીશના સુવર્ણકળશ

પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું.

ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને

હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા

રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી,

નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે

આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની

ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા

સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર

આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું

પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને

જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી

વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં

પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર

શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે.

મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના

ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી

જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી

તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે

ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે

ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર

અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું

મસ્તક પણ હું છું.

વ્હાલા, હું ગુજરાત છું.

મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે.

પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ

હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે

ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના

ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર

છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ

સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય

એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી

ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો

ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં

નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે.

મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની

હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને

ખબર નથી.

મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની

વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની

તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા

છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના

વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની

શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી

અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને

ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની

ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની

મૂછના વાંકડા વળ પણ મેં નીરખ્યા છે.

હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને

હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના

ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું.

માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ

પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ

પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ

શોઘ્યું છે. કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની

ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ

બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી

છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે

મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને

ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે

જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં

આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને

ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત

પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું!

મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી

મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ

દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની

નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ

અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન

મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી,

તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન

છું… અને મેં જ જતનથી નિરમા, કેડિલા,

એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને

અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના પારણા હીંચોળ્યા

છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને

પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું.

રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ

છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-

મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના

ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ

ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં

રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું

અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું

અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા

તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી

એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની

ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું

હેરિટેજનું પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં

ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું

છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ!

નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી

અગિયારીનો આતશ પણ મારો છે, અને

ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ

સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે.

મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા

આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે,

અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા

છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી

જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી

ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે.

હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી

ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો

સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો

દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ

પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું.


Read Full Post »

Older Posts »